રોગરૂપી રાવણને મારવા આયુર્વેદનો વિજય ક્યારે?
આપણા દેશમાં સીમા ઉલ્લંઘન માટે વિજયાદશમીનું અનોખું મહત્વ છે. સદીઓ પૂર્વે આપણે ત્યાં ડીફેન્સ મીનીસ્ટ્રી હતી જ નહિ, વોર મીનીસ્ટ્રી હતી અને સર્વત્ર સૌ એક વૈદિક વિચારધારા પ્રમાણે સુખ- શાંતિથી રહી શકે તે માટે રાજસૂય યજ્ઞ થતા હતા. તે માટે પોતાના રાષ્ટ્રની સીમા ઓળંગીને અન્ય જવા માટેનો શુભ દિવસ એટલે વિજયાદશમી. તેથી જ વિજયાદશમી એટલે સીમા ઉલ્લંઘનનો દિવસ.
આજે કેન્સર, હાર્ટએટેક, અકાળે વૃદ્ધત્વ, નિરાશા, હતાશા જેવા રોગોએ ઘર- ઘર અને મોટાભાગના કહેવાતા નવયુવાનોમાં સ્થાન લીધું છે ત્યારે આ બધા શારીરિક અને માનસિક રોગોને મારવા માટે આયુર્વેદની જ્યોતને ઘર- ઘરમાં લઇ જવા માટેનો સમય આવી ગયો છે.
રડતા હૈયા, રડતી ધરતી,
રોગોની ભરમાર વધી છે.
હૃદયરોગ, ક્ષય ને કેન્સર તણી,
રોગોની સૌને ભેટ મળી છે.
આરોગ્ય ઝૂંટવાયુ, મળી બીમારી,
અશક્તિ તણી આવરદા મળી છે.
સુકી ધરા, ગગનમાં ગરમી,
તાપ તણી સૌને વ્યથા મળી છે.
વિશ્વાસ ઘટ્યો ધરામાં, ભેદ થયો અહીં,
રાજકાજમાં અદાર્મ તણી ભેટ મળી છે.
છે અહીં, ઇમરજન્સીમાં પણ આયુર્વેદ,
બુદ્ધિગમ્ય આયુર્વેદની ભેટ સૌને મળી છે.
શાશ્વત આયુર્વેદ અને ધર્મ, આજે આપણી પાસે,
આવો, જલાવીએ જ્યોત સૌ સાથે મળીને…
આજે આયુર્વેદ તણી જ્યોત મળી છે.
હમણાં જ કેન્દ્રીય આરોગ્ય સંસ્થાએ ચણા- મમરાની જેમ વપરાતી પેરાસીટામોલ જેવી પચાસ જેટલી દવાઓ આપણા શરીરને ખૂબજ નુકશાનકારક છે તેવું કહ્યું છે. શું એવું નથી લાગતું કે, આ બધી દવાઓ એ જેટલી તારક છે તેથી અધિક તે મારક છે?.
કેન્સર અને તેના જેવા બીજા શારીરિક અને માનસિક રોગોનું કારણ જેટલું પેસ્ટીસાઈડ વાળો ખોરાક છે તેટલું જ કારણ આ બધી વિલાયતી દવાઓ છે. તો શા માટે તેનો યથા શક્ય ત્યાગ કરવો જોઈએ નહિ? આપણી વિચારવાની મર્યાદા ઓળગીને વિચારવાનો આ વિજયાદશમીનો સમય છે.
માનવ જીવનનું જીવંત વિજ્ઞાન આયુર્વેદનો અગ્નિ આજે રાખમાં ઢંકાઈ ગયો છે. કેલરીવાદ, પોષણવાદ, યંત્રવાદ, આંકડાવાદ અને અંજાઈ જવાય તેવો ભભકો આયુર્વેદ ભલે હજુ બતાવી શકતું નથી પરંતુ આજના વિજ્ઞાનવાદના જમાનામાં આધારભૂત પરિણામની ઝલક તો બતાવવી જ રહી અને સાથે સાથે ઘર ઘરમાં આયુર્વેદના નાદનું ગુંજન થાય તે માટે, સમાજમાં ગંભીર રોગો થાય નહિ તે માટે જો સમાજ પુરુષ સક્રિય થશે તો આયુર્વેદ વિશ્વમાન્ય થશે અને સ્વસ્થ સમાજનું નિર્માણ થશે.
Vaidya Mahesh Akhani
Vaidya Parashar Akhani