સૌની કબજીયાત જુદી જુદી
સામાન્યત: આપણે એક જ લાકડીએ બધાજ ઢોર હંકારવાના ટેવાયલા છીએ. આવું વનવગડામાં ચરતા પશુઓના માટે થઇ શકે. જો કે આપણે પણ હરડે, ત્રિફળા, હીંમજ, ઇસબગુલ, નસોતર, ગરમાળો જેવી નક્કી કરેલી દવાઓ રાત્રે સૂતા સમયે લઈને પેટ સાફ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અંગ્રેજીમાં તો દવાઓની આડ અસર સ્વરૂપે પાચન બગાડે છે ત્યારે તેઓ એસીડીટીની કે પેરાફીન જેવી દવાઓ આપે છે પરંતુ તે દવાઓ પણ પાચન તો વધુ બગાડે છે તેથી આવું કરવાથી કબજીયાત કાયમી મટી શકે નહિ અને કાયમી દવાઓ ખાતા થઇ જઈએ છીએ.
કબજીયાતની નિયમિત દવાઓ ખાવાના કારણે દવાઓની ટેવ પડે, પાચન બગડે, વારંવાર ઝાડા થઇ જાય, અશક્તિ લાગે છે. હરડે, ત્રિફળાને આપણે નિર્દોષ માનીએ છીએ છતાં પણ સગર્ભાને, દુબળા વ્યક્તિને અપાય નહિ. તેથી ઘણી વખત અમે ગમ્મતમાં કહીએ છીએ કે, “કાયમ ચૂર્ણ લેવાય?”
પ્રકૃતિ એટલેકે સ્વભાવ, ઋતુ, રોગ, ઉમર, બળ, પાચન શક્તિ જેવા આયુર્વેદે દસ કારણો લખ્યાં છે જેના કારણે કોઈપણ બે વ્યક્તિનો રોગ એક જ જેવો હોવા છતાં તેમની સારવાર અને સલાહ જુદી જુદી હોઈ શકે છે. કબજીયાત એ એક એવું લક્ષણ છે કે, જેનાથી ઘણાં બધા રોગ થઇ શકે છે છતાં તેની સારવાર માણસે- માણસે જુદી જુદી થઇ શકે છે.
• જે વ્યક્તિને વારંવાર તાવ આવતો હોય કે તેના શરીરમાં જીર્ણજવર એટલેકે હાડતાવ રહેતો હોય તેને ત્રિફલાનું ઘી ( ગાયના ઘીને ત્રિફલાના ક્વાથથી સિદ્ધ કરીને બનાવવામાં આવે તે) નિયમિત પીવા આપવું જોઈએ. કાળીદ્રાક્ષનું પાણી પણ પીવા માટે આપી શકાય.
• જે વ્યક્તિનું પાચન નબળું હોય તેમને હરડે, સૂંઠ અને લીમડાની ગળોનો ઉકાળો આપીને અપચો અને કબજીયાત મટાડી શકાય.
• જે વ્યક્તિને અપચાની સાથે સાંધાઓમાં સોજા રહેતા હોયતો તેમને આમવાત હોઈ શકે છે. તેમને સૂંઠના ઉકાળામાં દીવેલ એક ચમચી ઉમેરીને દરરોજ સવારે લેવા માટે આપી શકાય.
• જે વ્યક્તિને નબળું પાચનના કારણે લીવર કે બરોળ ઉપર સોજો હોય, વારંવાર વિશામ્જ્વાર એટલેકે મલેરિયા આવતો હોય કે માનસિક રોગી હોય તેમને માટે ગોમૂત્ર યુક્ત હરડે અથવા પંચગવ્યઘૃત પીવા માટે આપવું જોઈએ.
• જે તાવવાળા માણસનો મળ અત્યંત ગંઠાઈ ગયો હોય તેમને જવનાં સરખા ભાગે ચોખા તથા લીંડીપીપર, આમળાં નાખીને ઉકાળેલી રાબ તૈયાર કરીણે ગાયના ઘીમાં વઘારીને પીવા માટે આપવી.
• સૂંઠ, આમળાં, ગંઠોડા, કાળીદ્રાક્ષ નાખીને બનાવેલી ચોખાની રાબ પીવાથી તાકાત આવે, કબજીયાત માટે, તાવ પણ ઉતરે અને પાચન સારું થાય છે. આમ, આયુર્વેદ એ સર્વાંગી વિજ્ઞાન છે કે જ્યાં એક જ દવાથી સૌને એક દર્દની સારવાર થતી નથી. હા… તેના માટે અભ્યાસુ, અનુભવી વૈદ્યનું માર્ગદર્શન જરૂરી છે.